કાનૂની મુદ્દાઓ


  • ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાંજેટલો પણ મંદિરનો કર આપતા નથી?” પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.”પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?” પિતરે કહ્યું, “પરદેશીઓ પર.”ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય. પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.”
    માથ્થી 17:24-27
  • તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?” ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?” પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”
    માથ્થી 22:17-21
  • તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે. આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો. રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે.
    1 પિતરનો પત્ર 2:12-14
  • “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
    માથ્થી 5:25-26
  • તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે.
    માથ્થી 10:18, 19
  • કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે.
    રોમનોને પત્ર 13:8
  • પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.” ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”
    યોહાન 19:10, 11
  • આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા. અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો.
    લૂક 2:1-5
  • અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે, ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે. ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે. ... તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી, તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.
    યશાયા 40:15, 17
  • હું અહીં રોકાઈશ, કારણ કે મહાન અને વિકસતું કાર્ય કરવાની સુંદર તક મને આપવામાં આવી છે અને ઘણા લોકો આ કાર્યનો વિરોધ કરે છે.
    1 કરિંથીઓને 16:9
  • દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે. શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો. અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.
    રોમનોને પત્ર 13:1-7